જુમાતખાનામાં કરવામાં આવતા પ્રસંગો :
કાણોદર મુકામે કાણોદર મોમીન જુની જુમાત એ ખાનગી ટ્રસ્ટ છે. તેના વહિવટકર્તાઓ દ્વારા જુમાતના સભ્યો માટે મિજલસ, ધાર્મિક, સામાજિક પ્રસંગો ઉજવવા માટે કુવિવાસ મુ. પો. કાણોદર તા. પાલનપુર મુકામે જુમાતખાનું બનાવવામાં આવેલ છે. જેમાં બાવા સાહેબના મુરીદો સાથે બેસીને વિવિધ પ્રવૃતિઓ કરતા હોય છે. સદર જુમાતખાનાનું રીનોવેશન તા. ૦૫/૦૧/૨૦૨૦ રવિવાર ના રોજ કરવામાં આવેલ છે.
જુમાતખાનામાં દર વર્ષ થતી ઉજવણી :
પાહુળની વિધિ :
~ દર જુમેરાત જુમાતખાનામાં રાત્રે પાહુળની વિધિ કરવામાં આવે છે. કુરશીનામુ પઢી ગામમુખી ના હસ્તે શાંતિ અને અદબથી પાહુળ પીવામાં આવે છે. તે રીતે નિયાજ આપવામાં આવે છે. પાહુળ પીધા પછી ડેઘ ઉઠાવ્યા બાદ પીર મશાયખ રહે. બાવાની લખેલ કિતાબોના બયાન પઢવામાં આવે છે. આ રાત્રે મુરીદો પોતાના સ્વજનો ના રૂહના સવાબ અર્થે મિજલેસ પણ રાખતા હોય છે.
~ કાણોદર મોમીન જુની જુમાતના સભ્યને ત્યાં કોઈ બાળક (બાબો/ બેબી) નો જન્મ થયો હોય તો ચાલીસ દિવસ પછી કંકણનું પાહુળ ગામમુખી સાહેબના હસ્તે બાળકને, તેની માતાને તેમજ પરિવારના સભ્યોને પિવડાવવામાં આવે છે.
~ કાણોદર મોમીન જુની જુમાતના સભ્યો દર વર્ષે ભાદરવા માસમાં ગામમુખી સાહેબના હસ્તે મીઠું પાહુળ પીતા હોય છે. ચોમાસાની ઋતુમાં રોગ ચાળાથી મુક્તિ મળે તેવા શુભ આશયથી પાહુળ પીતા હોય છે. આ પહુંળ વખતે મુરીદો દ્વારા આપવામાં આવતા દાનના પૈસામાંથી સૈયદ તથા ગરીબ લોકોને જમાડવામાં આવે છે. તેમજ ગરીબોના કલ્યાણ માટે આ નાણાનો ઉપયોગ કરવામા આવે છે.
જુમાતખાનામાં કરવામાં આવતી મિજલેસો/ ઉજવતા તહેવારો :
પીર મશાયખ રહે. બાવા સાહેબની વફાત ~ મહોરમ ચાંદ-૨૧
ઈદે મિલાદ ( નબી સાહેબના જન્મ દિવસ/બારે વફાત)~ રબ્બીઉલ અવલ માસનો ચાંદ-૧૧,૧૨
શબે બરાત – શાબાન માસનો ચાંદ-૧૪
પીર અબુતાલેબ બાવા સાહેબનો ગાદી નશીન દિવસ ~ સવ્વાલ માસનો ચાંદ -૨૭
પીર અબુતાલેબ બાવા સાહેબનો સંદલનો ઓરસ ~ ઝીલકાદ માસનો ચાંદ-૧૪
પીર અબુતાલેબ બાવા સાહેબનો ફાગણનો ઓરસ ~ ફાગણ માસમાં મુસ્લીમ માસનો ચાંદ-૧૪
મહોરમ માસની મિજલસ:
~ મહોરમ માસના પહેલા ચાંદથી લઈ બારમાં ચાંદ સુધી જુમાતખાનામાં કરબલાના શહીદો ની યાદમાં દરરોજ રાત્રે મિજલસ બેસાડવામાં આવે છે જેમાં કરબલાના શહીદોના વાકીયા તથા તેમના વિષેની માહિતી આપવામાં આવે છે. મહોરમ માસની દસમી પર ખીચડાનું ન્યાજ જુમાતખાનામાં બનાવવામાં આવે છે.દરેક લોકો સમૂહમાં ભેગા થઈ આ દિવસે કરબલાના શહીદોની યાદ તાજી કરે છે.મહોરમ માસના ચાંદ ૧૨ ના સવારે કરબલાના શહીદોની યાદમાં જુમાતખાનામાં ઝીયારતની મિજલસ રાખવામાં આવે છે.
~ મહોરમ માસ બાદ સફર માસના ચાંદ-૨૦ ના દિવસે ઈમામ હુસૈન સાહેબનુ ચાલીસમું મનાવવામાં આવે છે તે દિવસે જુમાતખાનામાં ન્યાજ બનાવવામાં આવે છે તેમજ મિજલસ રાખવામાં આવે છે.
રમજાન માસની મિજલસ :
~ દર વર્ષે રમજાન માસમાં જુમાતખાનામાં પહેલા ચાંદથી દરરોજ રાત્રે મિજલસ નું આયોજન કરવામાં આવે છે. દરેક મુરીદો નિયમિત હાજર રહી પીર મસાયખ રહે. બાવાના લખેલ બયાનોનું પઠન કરવામાં આવતું હોય છે અને રમજાન માસ દરમિયાન કરવામાં આવતી ઈબાદત વિષે સમજ આપવામાં આવે છે.
~ રમજાન માસ દરમિયાન ચાંદ-૩ (હ. માડી ફાતમાં તુલઝહેરાની વફાત) તથા ચાંદ-૨૧( મૌલાઅલી મુરતુજાની વફાત)નિમિત્તે વિશેષ મિસલસ રાખવામાં આવે છે.
~ ચાંદ-૨૭ ની રાત્રે લયલતુલ કદ્ર (જાગણી રાત) તરીકે મનાવવામાં આવે છે. આ રાત્રે જુમાતખાનામાં મિજલસ રાખવામાં આવે છે અને બધા મુરીદો રાત્રે જુમાતખાનામાં બેસીને ઈબાદત કરે છે. આખી રાત જાગીને દિની બાબતોની ચર્ચા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે તથા સવારે સૌ ભેગા મળી જુમાતખાનામાં શહેરી કરે છે અને રોજા રાખે છે. શહેરીમાં દૂધ-ખીચડીનું નિયાઝ આપવામાં આવે છે. શવ્વાલ માસના પહેલા ચાંદના દિવસે ઈદ મનાવવામાં આવે છે.
ઉપરાંત દરેક પ્રસંગોમાં સૌ સાથે મળી શુધ્ધ શાકાહારી ભોજનનું આયોજન જુમાતખાનામાં કરવામાં આવતું હોય છે. દરેક મિજલસમાં તમેજ ઉપરાંત દરેક તહેવારમાં જુમાતના વડીલો, ભાઇઓ, બહેનો તથા બાળકો સહૃદય ભાગ લે છે અને કાણોદર મોમીન જૂની જુમાતને તેમજ અમારા હાજર પીર સૈયદ પીર અબુતાલેબ બાવા સાહેબ પ્રત્યેની મન્યતાને ઉજાગર કરવામાં સહભાગી બને છે.
