ખંભાત દરગાહની માહિતી :

સૈયદ પીર પીર અબુતાલેબ બાવા સાહેબની દરગાહ ખંભાત જી. આણંદ મુકામે નારેશ્વર તળાવ પાસે આવેલ છે.દરગાહમાં બાવાસાહેબની તુરબત છે જેની પૂર્વ બાજુએ હુસેનામાજી સાહેબ તથા પશ્ચિમ બાજુએ બીબી બેગમ સાહેબની તુરબત આવેલી છે.દરગાહમાં મુજાવરશ્રી દરરોજ સવારે ૪:૦૦ વાગે તથા સાંજે મગરીબ પહેલા બાવા સાહેબની સેવા કરી દરગાહ ખોલતા હોય છે. આ સમયે દરેક મુરીદો દિદાર માટે જતા હોય છે. દરગાહ ખુલવાના સમયે બાવા સાહેબની નોબતનો ડંકો દરરોજ નિયમિત થાય છે.દરગાહમાં બાવા સાહેબની ચિરાગ (અખંડ જ્યોત) ચોવીસ કલાક કરવામાં આવે છે. ગમે તેવા સંજોગોમાં તે ઠંડી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.બાવા સાહેબની દરગાહમાં બસાણું , ચાદર તેમજ તોળાઈ થતી હોય છે અને તેના માધ્યમ દ્વારા બાવા સાહેબના મુરીદો ઉપરાંત અન્ય સમાજના લોકો પોતાની આસ્થા રાખી માનતા રાખે છે. . ઘણા મુરીદો શ્રધ્ધા રાખી પગપાળા ચાલતા બાવા ને ત્યાં જઈ પોતાની માનતા પૂરી કરતા હોય છે.

બાવા સાહેબની દરગાહમાં દર વર્ષ નીચે મુજબના તહેવારોની ઉજવણી થતી હોય છે.

  1. બાવા સાહેબનો ગાદી નશીન દિવસ :
    સંવત ૧૫૮૬ હિ.સ. ૧૨૪૪ ના સવ્વાલ માસની ૨૭ તારીખે સૈયદ પીર કાસમઅલી બાવાએ સૈયદ પીર અબુતાલેબ બાવા સાહેબને ગાદી નશીન કરેલ તે દિવસને બાવા સાહેબના મુરીદો દર વર્ષે ખંભાત તેમજ કાણોદર મુકામે ઉજવે છે.
  2. સંદલ ઓરસ : 
    સૈયદ પીર અબુતાલેબ બાવા સાહેબે આ ફાની દુનિયાથી પરદો કર્યો તે તારીખ સંવત ૧૮૯૨ હિ. સ. ૧૨૫૦ ના જીલકાદ માસની ૧૪ તારીખ હતી. તેથી આ દિવસને બાવા સાહેબના મુરીદો સંદલ ઓરસ તરીકે  ઉજવે છે. તે દિવસે બાવા સાહેબના મુરીદો દ્વારા સંદલ ચઢાવવાની વિધિ કરવામાં આવે છે. આ દિવસને ઉત્સાહ સાથે ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.
  3. ફાગણ ઓરસ:
    સૈયદ પીર અબુતાલેબ બાવા સાહેબે આ ફાની દુનિયાથી પરદો કર્યો તે દિવસ સંવત ૧૮૯૨ ના ફાગણ સુદ પૂનમ ના ઈ.સ. ૧૮૫૩ માહે માર્ચ માસ હતો. તેથી આપણા ગુજરાતી મહીના મુજબ દર વર્ષ ફાગણ માસની સુદ પૂનમ ના દિવસે ( મુસ્લીમ માસ નો ચાંદ ૧૪) ફાગણ ના ઓરસ તરીકે બાવા સાહેબના મુરીદો ધૂમધામથી ઉજવે છે.

    ઉપરાંત બાવા સાહેબના ઘણા તહેવારો કાણોદર મુકામે પણ ઉજવવામાં આવે છે. તેમજ દરેક પ્રસંગોમાં સૌ સાથે મળી શુધ્ધ શાકાહારી ભોજનનું આયોજન જુમાતખાનામાં કરવામાં આવતું હોય છે. દરેક મિજલસમાં તમેજ ઉપરાંત દરેક તહેવારમાં જુમાતના વડીલો, ભાઇઓ, બહેનો તથા બાળકો સહૃદય ભાગ લે છે અને કાણોદર મોમીન જૂની જુમાતને તેમજ અમારા હાજર પીર સૈયદ પીર અબુતાલેબ બાવા સાહેબ પ્રત્યેની મન્યતાને  ઉજાગર કરવામાં સહભાગી બને છે.